પુરુષોત્તમ માસ (કૃષ્ણ) + શ્રાવણ (શંકર)+ ભાદરવો (પિતૃ) = મોક્ષ મોક્ષ રમવાની સીઝન !
“દુકાળમાં અધિક માસ!” કહેવત સાંભળી હશે; વરસાદના અભાવે જીવી પણ લીધી. એવું લાગ્યું હશે. હેં ને? વળી ઓચિંતું રહી રહીને શ્રી હરિને શું સુઝ્યું તે મેઘરાજાનાની સવારી ઘામધૂમથી મોકલી !
આસાલે અધિક માસ મોઘવારી, ભ્રષ્ટાચાર, નરસંહાર, આતંકવાદ જેવા દુષણો ચરમસીમાએ પહોંચેલ; વળી પુર, પ્રલય અને યુદ્ધની આગાહી થતી રહે ! પણ એનાથી ડરવાનું શું ? શેનાંથી ડરવાનું ? મૃત્યુથી ? કે જીવનથી? કે પછી જીવતાં જીવતાં ઓચીંતું મૃત્યુ આવી પડશે તો ? એ ડરથી ? મૃત્યના ડરને કદાચ ઓછો કરવા જ મોક્ષ શબ્દને સાધ્યો હોય એવું બની શકે ખરું.
હાલમાં એક ધર્મ ગુરુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન બીમારીમાં ફસડાઈ સ્વધામ પહોંચ્યા. કેટલાય ફિલ્મી કલાકારો, સંગીતકારો, સાહિત્યકારો અને રાજકારણી પણ મૃત્યુ પામ્યા. પંદરમી ઓગસ્ટે શહિદોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ !
વિશ્વભરમાં થયેલ ક્રુર નરસંહાર કે પછી ક્યાંક ક્યાં દેશવ્યાપી છૂટી છવાયી સંખ્યામાં લોકોના સ્વજનો મૃત્યુ પામ્યાં જ હશે ને ? ભલે લાંબી બીમારી પછીની મુક્તિ કે અપમૃત્યુ હોય. મૃત્યુ તો મૃત્યુ જ છે ને ? મૃત્યુ પછી આપણે વ્યક્તિના નામ આગળ સ્વર્ગસ્થ લખીએ છીએ. મોક્ષ પામ્યા એવું કહીએ છીએ. મોક્ષ મળ્યાની ખાતરી શું ? મર્યા પછીનું રહસ્ય કહેવા ક્યાં કોઈ પાછું ફર્યું છે
તો પછી મોક્ષ શું છે ? એમાં કેવી સ્થિતિ હોય ? શું પરિસ્થિતિ હોય ? એ જોઈએ – એક નાનું બાળક વાર્ષિક પરિક્ષાનું છેલ્લું પેપર આપીને ઘરે આવે, આવીને એક બૂટ આમ અને બીજો તેમ ઘા કરે; શર્ટનાં કોલરનું બટન ખોલી ‘કંઠ-લંગોટ’ કાઢી, સોફાપર પગ ખૂંદીને લંબાવે. મમ્મીની બૂમ સાંભળી ન સાંભળ્યું કરી પોતાની મસ્તીમાં મનગમતું કાર્ટૂન જોવા બેસી જાય; એ બાળકને કેવી મુક્તિ અનુભવાતી હશે ! આહાહા ! શું એવું જ કશુંક મોક્ષનું હશે ? જી, બિલકુલ… એવું જ… કઈંક… મોક્ષનું.
એવું તે મોક્ષનું કેટલું મહાત્મય કે લોકો એને પામવા જીવતાં જીવત આટાઅટલી દોડધામ કરી, મૃત્યુની અપેક્ષા કરે ? “મૃત્યુ પછી જ મોક્ષ પ્રપ્તિ!” એવી સામાન્ય લોક પ્રવર્તિત સમજણ. કેટલે અંશે સાચી ? શું મોક્ષ સદેહે, જીવંત ચેતાએ ન મળે ? “ઈચ્છીયે તો મળે જ ને!” હાસ્તો, એવી એકેય ક્ષણ કે જે જીવ્યા અને જીવ્યા પછી બીજી કોઈ ઈચ્છા જ બાકી ન રહે ! શું એ મોક્ષ સ્થિતિ ન કહેવાય ? કેવી કોઈ ઘડીકે જેમાં હજારો ભવ વારી જવાનું મન થઈ જાય. કોઈનો સાથ મેળવીને કે જાતમાં ઊંડા ઉતરીને તો શું એ મોક્ષની પરિસ્થિતિ નથી ? “અતિ નયનરમ્ય કુદરતી વાતાવરણમાં એક ઊંડો શ્વાસ લીધા પછી જે અનુભૂતિ છે એજ મોક્ષ !”
પ્રેમીને પ્રથમ આલિંગન કરી હોઠ ચૂમ્યાં પછી થતો સંતોષ. નવજાત શિશુને જન્માવ્યા પછી માતાને લાગતા થાક સાથે ભળતો આનંદ ! એક શ્વાસે આખો પ્યાલો પાણી પી લીધા પછી તરસ છીપાવી મળેલી રાહત, જમ્યા પછી ભૂખ મટ્યાનો ઓડકાર અને સૂતા પછી જાગીને મળતી જાગૃતિ; ઉતરતો થાક અને તાજગીનો અહેસાસ ! એવી તો અનેક ક્ષણોને આપણે મોક્ષ સમી ઘણી શકીએ. જે જન્માંતર સુધારી ગઈ હોય. એકેય ઈચ્છા બાકી ન રહી હોય, કોઈ જ ભૌતિક સુખાકારીમાં મોહ ન હોય, “સર્વત્ર સુખી ન સંતું, સર્વે સંતુ નિરામાયા”ની અહોભાવના જીવંત શરીરે વહોરી લેવાય, એ જ મોક્ષ !
આકે તેરી બાંહોમેં… હર શામ લગે સિંદૂરી…….. આવી મન:સ્થિતિ કે જેમાં પ્રકૃતિમય ઈશ્વરીય પરમ તત્વમાં ભળી જવાની લગની કે ઝંખનાની પરાકાષ્ટા… એ મોક્ષ !
મોક્ષ એટલે મુક્ત સ્થિતિ. જ્યાં મુક્તિ છે ત્યાં મોક્ષ છે જ ! પણ આપણે તો આ મોક્ષને બાંધવાનો પ્રયાસ કરતાં હોઈયે એવું નથી લાગતું ? શ્રાવણમાં શંકરની ઉપાસના ભાવભેર આખો મહિનો કરીએ, કૃષ્ણ જનમના દિવસે ઉપવાસ કરીએ. પર્યુસણમાં પ્રતિક્રમા અને રમજાનમાં રોજા રાખીએ. એ બધું જ એક જ આશયથી… ઈશ્વરીય તત્વને રીઝાવવાનાં જૂદા જૂદા ધર્માનુસાર કરાતી આરાધના.
હેતુ ? મોક્ષ !
શ્રાવણમાં આખો મહિનો મહાદેવને, પુરુષોત્તમમાસમાં શ્રી કૃષ્ણને અને ભાદરવામાં પિતૃદેવના આત્માની શાંતિ કરાવવામાં આવતું શ્રાધ્ધનું ભોજન. યેન કેન પ્રકારેણ અર્ચીને જાણે મૃત્યુ પછી અહીંથી જ કરવામાં આવતું મોક્ષનું રિઝર્વેશન.
ભગવાન શ્રી કૃષ્ણની અનેક અપરંપાર લીલાઓ પૈકીની સર્વ શ્રેષ્ઠ વ્યવસ્થા એટલે જન્મ પછી મૃત્યુ નિશ્ચિત. એની જ સવિસ્તારે સમજૂતિ અપાતી ભાલકાતિર્થની પારધીની વાત કે પછી મહાદેવે પીધેલું ગર કે જે સાગરમંથનથી નીકળેલું કંઠે ન ઉતારી નિલકંઠ ધારણ કર્યું. ગજાનંન મોક્ષ, બુધ્ધ ભગવાનની તપસ્યા, મહાવીર તથા સ્વામી નારાયણના ઉપદેસ કે પૈગંબરની બંદગી વગેરે મુદ્દાઓ અગણિત વાર ચર્ચાયા અને ચર્ચાશે જ. જે અહીં ફરી દહોરાવવાનો શું ફાયદો ?
“ચોર્યાસી લાખ યોનીઓ પસારકરી મનુષ્ય અવતાર મેળવ્યા બાદ હવે આ મૃત્યુલોક તરીકે ઓળખાતી પૃથ્વી ઉપર ફરી જન્મ લેવા ધક્કો ન ખાવો પડે અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ધામમાં સ્થાન મળે.” એ મોક્ષનો હિંદુત્વ ધાર્મિક અર્થ. શિવમાં જીવ ભેળવી કરવામાં આવતું તપ, દાન-દક્ષિણાં કે ભોજનથી ભેગું કરાતું પૂણ્ય; અહીં મૂકેલ માનવતાવાદ માર્મિક અર્થ કરતાં જાજો ફરક નથી. પૂજ્ય મોરારીબાપુ પણ ક્યારેક રામકથાનું ગાન કરતે કહી દે છે, “મારે મોક્ષ નથી જોઈતો, આમારા ગોસ્વામીજીની રામાયણ ગાવા ફરી જનમ લેવો છે.”
જીવનમાં જીવવા અને માણવા માટે કેટલુંય છે. કહેવાય છે ને જીવ્યા કરતાં જોયું ભલું. મારો અંત સમય જ્યારે પણ આવે મનમાં જરી સરખો પણ રંજ ન રહી જવો જોઈએ કે મેં આ કાર્ય નથી કર્યું. કે પછી મેં પેલી વાનગી નથી ચાખી. અને એવું ય ક્યાં છે કે ઈચ્છા થાય તે બધું જ કરી જ છૂટવું ? કેટલીક જિજીવિષાઓ રહી પણ જતી હોય છે સમય અને સંજોગોને આધિન રહીને. પરંતુ એનો પારાવાર પસ્તાવો ન રહેવો જોઈએ. જીવનમાં જીવવા અને માણવા માટે કેટલું ય છે. કહેવાય છે ને જીવ્યા કરતાં જોયું ભલું. મારો અંત સમય જ્યારે પણ આવે મનમાં જરી સરખો પણ રંજ ન રહી જવો જોઈએ કે મેં આ કાર્ય નથી કયું. કે પછી મેં પેલી વાનગી નથી ચાખી. અને એવું ય ક્યાં છે કે ઈચ્છા થાય તે બધું જ કરી જ છૂટવું? કેટલીક જિજીવિષાઓ રહી પણ જતી હોય છે સમય અને સંજોગોને આધિન રહીને. પરંતુ એનો પારાવાર પસ્તાવો ન રહેવો જોઈએ. આ હાકલ આવી ને હું પાછળ ચાલતી પકડું, એવું બહાદૂરી ભર્યું વલણ પણ એક પ્રકારે મોક્ષનું જ લક્ષણ કહેવાય.
શું ફક્ત સંયમીત સંન્યાસી જીવન જ મોક્ષ પ્રાપ્તીનો માર્ગ છે. મીરાં પણ પરણી હતી અને રાધા પણ પ્રણયમય થઈ રાચી હતી. ધાર્મિક કુરીવાજોને તાબે થઈને બહેન – દીકરીઓ પર અમુક અંશે અંકુશ રાખવો એ ક્યાંનો ન્યાય ? વળી, રામ અને કૃષ્ણ પણ પોતાનાં અવતારી જીવનમાં સંસારિક જવાબદારીઓથી પર થઈને ક્યાં ભાગ્યા હતા ? આજના યુવાનને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ પૂરી પાડતે મોજીલું જીવન જીવવાનો પૂરો હક્ક હોવો જ જોઈએ ને ? કુટુંબ, મિત્રો અને અર્થોપાજનની જવાબદારીઓ ત્યાગીને મોક્ષ અને પરમ શાંતિની શોખ કરી શકાય ખરી ?
સતયુગની અમર વાયકાઓ સાંભળીને આજની કળયુગની પેઢીને કેટલીક વાતો ગળે નથી ઉતરતી કેમ કે એ હ્રદયથી નહિ પણ તાર્કિક બુદ્ધિથી વિચારવા ટેવાઈ ગઈ છે. ગરૂડયાન કે પછી યમનો કદાવર ભેંસ કે પાડો તેડવા આવશે એ વાત આજની ઈન્ટરનેટ વાપરતી પ્રજાને માટે ફક્ત એક વિસ્મય ઉપજાવે એવો વિષય છે. એ કદાચ એમ વખોડાયો છે કે મનમાની કરીને જીવે છે. કોઈનું સાંભળતો નથી. અરે! ખોટું પણ શું છે એમાં ? એને તો બધું કાલ્પનિક, મીથ જ લાગશે ને ?
મહામૂલે મળેલ મનુષ્ય અવતારમાં ઈશ્વરનું સ્મરણ કરી આ સુંદર કુદરત બનાવવા અને અહીં જન્મ આપવા આભાર માનવાની રીત એટલે પ્રર્થના. કે જે અચૂક કરવી જ જોઈએ પરંતુ પૂજા-અર્ચનનાં ખોટા દંભ કરી, મૃત્યુ બાદ મળવાના મોક્ષ માટે જાવાં મરવા કરતાં જિંદગીની હર એક ક્ષણને સંસારિક કે સંન્યાસી જેવા ભેદ, મોહમાયા વગર માણવા; પ્રકૃતિના રહસ્યોને જાણવા; વિશ્વ શાંતિ જાળવી પરસ્પર પ્રેમ કરવા અને આપવામાં જીવનની સાર્થકતામાં જ મનુષ્ય અવતાર વિતાવો એ જીવંત મોક્ષ. મૃત્યુને ટાળી નથી શકવાના પણ જીવને ભરપૂર માણી તો શકીયે, તો એ જ જીવંત મોક્ષ.
કલબલાટ:- જો પૂણ્યનાં પોટલાંથી જ મોક્ષ મળતો હોય તો એકાદ પાપ કરી લેવું. આ ભૂલોક હજુ આખેઆખું જોયું પણ નથી; અહીં બીજો ફેરો કરી લેવો સારો.
લેખક : કુંજલ પ્રદીપ છાયા “કુંજકલરવ”
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિચે આપેલ લિંક પર ક્લિક કરો :
- કોમેડી માટે વિડીયો, મોટીવેશનલ વિડીયો,અન્ય દરેક વ્યકતી ને સહાય આપે એવી અમારી વેબસાઈટ છે તો દરરોજ મુલાકત લો અને અને પસન્દ આવે અમારી વેબસાઈટ લીંક ને વધુ વધુ Share કરો.
0 Comments