Add

"આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા'' આંસુ વિના રડે તે પિતા...

 આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા.

લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા.

માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે,

પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???


પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.


ઘરમાં કોઈ આર્થિક સંકડામણ હોય, કોઈ મુશ્કેલી હોય તો છાના ખૂણે બા સાથે ચર્ચા કરી બાને હિંમત અને સાંત્વના આપી એકલા એકલા કોઈ જોઈ ન જાય એ રીતે આંખના ભીના ખૂણાને લૂછીને કામે વળગી જાય એ પિતા હોય છે. દીકરાના લગ્ન હરખભેર સંપન્ન કરવા ગજા બહારનું જોર લગાવતા પિતાને કોણ નથી ઓળખતું ? મંડપમાં અને જાનમાં હરખઘેલા થઈ મહાલતા પિતા જ્યારે દીકરો પરણીને ઘેર આવે છે ત્યારે જગતના સૌથી વધુ સુખી વ્યક્તિ હોવાનો સંતોષ લે છે.બીજા દિવસે લગ્નનો તમામ હરખ ખીંટીએ ટીંગાડી માથે કરેલું દેવું જલદી ભરપાઈ થાય એ માટે આ જ પિતા કામે ચડી જાય છે.સુખનો રોટલો ખાતા પરિવારમાં વાસણ ખખડવાની ઘટનાઅો જ્યારે વેગ પકડે છે ત્યારે આ જ પિતા પત્નીને છાને ખૂણે સમજાવી, પીડાને સાતમે પાતાળ સંતાડી દીકરા-વહુને અણસાર ન આવે એ રીતે જુદો ચૂલો શરું કરાવે છે.પોતાના વળતા પાણી થયાનો અહેસાસ થવા લાગતા જ પિતા દીકરા-વહુને શાંતિની ઝંખના માટે પોતાનાથી અલગ કરી દે છે.


ધીરે ધીરે પિતા પોતાનું શરીર નાના મોટા રોગોનું ઘર બને છે એ ઘટનાના સાક્ષી બને છે.ખૂબ જ લાડ લડાવી મોટી કરેલી દીકરીને સાસરે વળાવતી વખતે ઘરના મોભ સરીખા પિતા ઢગલો થઈ જાય છે.ધ્રુસકે ધ્રુસકે રડતા બાપનું આક્રંદ કાળજાના કટકાને અળગો કરવાની વેળાએ નોઁધારુ થતું હોઈ એવું લાગે છે.ઘરના આંગણાને દીકરી વિહોણું જોનાર પિતા ત્યારે વધુ ભાંગી જાય છે, જ્યારે એના જીવનમાંથી બાની બાદબાકી થઈ જાય છે.બા જતાં બાપા પાયા વિનાની ખુરશી જેવા બનીને રહી જાય છે.અસ્તિત્વના અસ્તાચળે પહોંચતા સમયે પણ પિતા પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના પરિવારરૂપી માળાના મણકાને પરોવી રાખનાર ધાગા સમાન છે.


સર્વ પ્રકારના સુખો અને દુ:ખોમાં ઊભા રહેતા પિતાના ચહેરા ઉપર અંકિત થયેલ અનુભવની રેખાઓ સંતાનો માટે પથદર્શક બની રહેતી હોઈ છે.પિતા આપણને સારા નરસાનું જ્ઞાન આપે છે.એ આપણને જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે.મુશ્કેલીઓ સામે બાથ ભીડવાનું આપણે એમની પાસેથી જ શીખીએ છીએ.ચકી અને ચકાની વાર્તાથી માંડી જીવનબોધ આપતી વાર્તાઓ કરી પિતા આપણા જીવનનું પોત બાંધે છે.


ઘરમાં તમામ સુખ સગવડો પૂરી પાડવા મથતા પિતાના મનમાં એક જ મનસૂબો હોઈ છે કે મારા બાળકો અને મારો પરિવાર સુખી થાય.ક્યારેક પિતા આપણને રુક્ષ લાગે. ક્યારેક એમનું વ્યક્તિત્વ કાળમીંઢ પથ્થર જેવું પણ લાગે.પણ, આ બધાની વચ્ચે એમના હૃદયમાં સંગ્રહાયેલી લાગણી અને આપણા પ્રત્યેના ભાવ તરફ નજર નાંખવામાં આવે તો આપણને પિતાની રુક્ષતા અને કઠોરતા પાછળની કોમળતાના દર્શન થયા વિના ન રહે.

દિકરાને મા પ્રત્યે સવિશેષ લાગણી હોય છે અને માને પણ સંતાન પ્રત્યે સવિશેષ લાગણી હોય છે કારણ કે મા અને દિકરાનો સંબંધ માત્ર સંબંધ નથી હોતો ઋણાનુબંધ હોય છે. પિતાને દિકરા સાથેનો સંબંધ દિકરાના જન્મ પછી હોય છે. એટલે એનો અર્થ એવો નથી કે પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ નથી હોતો !

ઇતિહાસમાં કેટલાય એવા પ્રસંગો ઘટ્યા છે કે મા વિનાના દિકરાને પિતાએ જ મોટો કર્યો છે. પિતા વિનાના દિકરા-દિકરી માટે મા જેમ પિતાનો રોલ કરી શકે છે એમ મા-વિનાના દિકરા-દિકરી માટે પિતા પણ માનો રોલ કરી શકે છે. એ ક્યારેય ન ભૂલશો…દિકરાનું બચપન માના હાથમાં હોય છે તો બચપનથી પચપન સુધી સાચવનાર પિતા હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે પિતા બોલી નથી શકતા મુંગા મુંગા એ બધુ જ કામ કરી લેતા હોય છે, બાપ બનનાર દરેકને આ અનુભવ હશે.

જન્મ દાત્રી માતા છે તો જીવનદાતા પિતા છે. કલ્પના કરજો કે જે બાળકને પિતા જ ન હોય એની સ્થિતિ કેવી હોય ? યાદ કરો સાયકલ ચલાવતા કોણે શીખવ્યું ? મોટા થયા ત્યારે બાઇકની ઝંખના જાગી, એ ઇચ્છા કોણે પુરી કરી આપી ? અકસ્માત કે રફ ડ્રાઇવીંગ ના ભયથી પિતા દીકરાને બાઇક ન લાવી આપે એમાં પણ દીકરા માટે હિતબુદ્ધિ જ હોય છે. કેટલાક દીકરાની ફરીયાદ હોય છેઃ “બાપાએ અમને શું આપ્યું ? જ્ન્મ આપ્યો, જીવન આપ્યું અને જતન કર્યું એ કાંઇ કમ છે ?

સ્કૂલની ફીઝ ભરવાની હતી ત્યારે, સ્પોર્ટ ક્લબમાં જવું હોય ત્યારે, ગાડી શીખવી હોય ત્યારે,પપ્પાની પીઠ ઉપર ઘોડો બનીને બેસવું હોય ત્યારે આ દરેક પ્રસંગે પિતા પડખે રહ્યા છે. સંતાનનો જ્ન્મ થયો હોય ત્યારે એ પહેલાથી એના વિશેની ચિંતા બાપને હોય છે. દીકરાનું અવતરણ પણ હજુ આ પૃથ્વી ઉપર ન થયું હોય એ પહેલા મા-બાપે કેટકેટલા સપના જોયા હોય છે.


તમે નાના હતા અને દોઢ-બે-ત્રણ-ચાર-ચાર વરસ સુધી બોલવાનું ચાલુ નો’તું કર્યું ત્યારે સૌથી વધારે ચિંતા તમારા માટેની એ બાપ ના હ્રદયમાં હતી. આખુ જગત જાણે છે કે દીકરો પહેલી વાર મા બોલે છે કે મમ્મી બોલે છે ત્યારે એ મા રાજીની રેડ થઇ જાય છે. પણ દીકરો પહેલીવાર ‘પપ્પા’ બોલે છે ત્યારે એ બાપ્નું અંતઃકરણ ઘેલુ ઘેલુ થઇ જાય છે એ વખતે એના રાજીપાની નોંધ કેટલાયે લીધી ?

દીકરો કે દીકરી જેમ જેમ મોટા થતા જાય તેમ-તેમ બાપની ચિંતા પણ મોટી થતી જાય છે. દીકરો ભણતો હોય ત્યારે કોઇને પણ ખ્યાલ ન આવે એ રીતે બાપ મંદીરમાં જઇને પ્રાર્થના કરે છેઃ ‘મારો દીકરો સારા માર્કસે પાસ થાય’ ડોક્ટર, એન્જીનિયર કે સી.એ.નું ભણ્યા પછી દીકરાની નોકરી માટે વારંવાર ધક્કા ખાનાર બાપ હોય છે. નોકરી માટે લાચાર થનાર બાપ હોય છે. દીકરા માટે ડીગ્રી, નોકરી, છોકરી, આ ત્રણેય માટે બાપે કેટલી વાર ઠોકર ખાધી હોય છે એની નોંધ ક્યાં લેવાય છે.

પિતા ગુરુ જેવા હોય છે. આંખ લાલ કરે પણ અંતરથી લાડ કરે..દીર્ઘદ્રષ્ટા હોય, ભવિષ્યની ચિંતા એમ્ને અત્યારથી હોય છે. મધ્યમ વર્ગના કેટલાય પિતાઓ પોતાને ત્યાં દીકરો જન્મ્યો હોય અને હજુ નામકરણ પણ થયું ન હોય એ પહેલા એના નામે અમુક રકમ મુકી દેતા હોય છે. ભવિષ્યમાં દીકરાનો પ્રસંગ આવે તો કોઇની પાસે લાંબો હાથ ન કરવો પડે.

૨૩ વર્ષ નો એક યુવાન, મધ્યમવર્ગીય પરિવારનો એક નો એક દીકરો વર્તમાન પત્ર કે કોમ્પ્યુટર કરતાં પણ વધુ માહિતી ધરાવે. એક મોડી રાત્રે કેટલીક ચર્ચા થઇ છેલ્લે જતાં જતાં એણે વાત કરી કે ‘મહારાજ સાહેબ! મારા લગ્નના ખર્ચાની મારા પિતાને કોઇ ચિંતા નથી’ મેં કહ્યુંઃ ‘ભલા માણસ! બાપની ગંભીરતા તું હજુ સમજી ન શકે એટલે આવું બોલે છે. ઘરનાં કોઇને ગંધ પણ ન આવે એ રીતે એ વ્યવસ્થા કરતાં જ હોય..નહીં તો દેવુ કરીને પણ કરશે’

સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ???? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિચે આપેલ લિંક પર ક્લિક કરો :

 આવી રોજબરોજ ની  નવી સમાચર અને અન્ય સરકારી ભરતી અને જનરલ નોલેજ ની PDF ડાઉંલોડ કરવા, જનરલ નોલેજ ભરતી માટે જરૂરી વિડ્યો લેક્ચર અને અન્ય સાથે સાથે અમારી વેબસાઈટ મા મેહ્દી  ની નવી નવી ડીજાઈનો જાતે કેમ બનાવી, રસોઇ બનાવા વિડીયો,છોકરી ઓ માટે Hair Style જે  ઘરે જાતે કરી શકો, Mackup  જાતે કરવા.
  • કોમેડી માટે વિડીયો, મોટીવેશનલ વિડીયો,અન્ય દરેક વ્યકતી ને સહાય આપે એવી અમારી વેબસાઈટ છે તો દરરોજ મુલાકત લો અને અને પસન્દ આવે અમારી વેબસાઈટ લીંક ને વધુ વધુ  Share કરો.



Post a Comment

0 Comments